16 સૈનિકોની એક ટુકડી ની ત્રણ મહિના માટે હિમાલયમાં નિમણૂક થઈ. એક ઓફિસર અને ૧૫ સૈનિકોની આ ટુકડીએ પર્વતારોહણ શરૂ કર્યું. ચઢતા ચઢતા ઓફિસરના મનમાં વિચાર આવ્યો કે અહીં કોઈ ચાની દુકાન હોય તો કેવું સારું? પરંતુ આજુબાજુ કોઈ દેખાતું નથી.

આગળ ચઢતા દૂર એક દુકાન દેખાય છે. તેથી બધાને આશા જાગી કે ગરમ ચા મળી જાય તો આગળ જવામાં થોડી શક્તિ અને સુવિધા રહે. દુકાન ની પાસે જાય છે તો દુકાન બંધ.

કોઈ વ્યક્તિ ત્યા હતી નહીં. સૈનિકોએ ઓફિસરને પૂછ્યું કે જો તમે પરવાનગી આપો તો તાળું તોડી ચોરી કરવાનો ભાવ નથી. પણ ચઢવું મુશ્કેલ છે અને આપણે આ દેશ માટે જ કરી રહ્યા છે. ઓફિસર દુવિધામાં પડી ગયા કે આવું અનૈતિક કાર્ય કરવું કે ના કરવું? પરંતુ સમયની જરૂરિયાત સમજી તાળુ તોડ્યુ. અંદર જઈને ચા અને બિસ્કીટ ખાધા. ઓફિસર દુઃખી હતો કે ભલે જરૂરિયાત હતી, પણ આ ચોરી કહેવાય. તેથી તેણે ૧૦૦૦ રૂપિયાની નોટ કાઢી સાકરના ડબ્બાની નીચે મૂકી દીધી જેથી દુકાનદારના પૈસા ચૂકવાયાનો સંતોષ મળે.

ત્રણ મહિના પછી એ લોકોનો સમાચાર મળ્યા કે એક નવી ટુકડી આવે છે, તમે પાછા આવો. એ લોકો પાછા ફરે છે. પાછા ફરતાં ફરી આ ચા ની દુકાન જોઈ, સદભાગ્યે આ વખતે દુકાન ખુલ્લી હતી. બધા ચા પીએ છે. ઓફિસરના અંતરમાં જ ખટક તો હતી જ, એટલે એ દુકાનના માલિક પાસે જઈ પુછે છે કે પહાડી ઉપર, આટલી ઠંડીમાં, આટલે દૂર તમારી અહીં દુકાન; ભગવાન હોય તો આવું કઈ રીતે હોય?

દુકાનદાર કહે છે આવું ન બોલશો ભગવાન સાક્ષાત છે.ભગવાન સાચે જ અસ્તિત્વ ધરાવે છે પણ એમનાં દર્શન કરવા માટે દૃષ્ટિ જોઈએ.

ઓફિસર પૂછે છે તું શાના આધારે આવું કહે છે?

દુકાનદાર પૂરો વૃતાંત સંભળાવે છે, “મારો એક દિકરો છે. તેણે આતંકવાદીઓ સંબંધી માહિતી પોલીસને આપી આતંકવાદીઓને જાણ થતા તેને બહુ ખરાબ રીતે માર્યો. તેને હોસ્પિટલમાં દાખલ કર્યો. અને ડૉક્ટરે દવાનું મોટું લિસ્ટ આપ્યું. પરંતુ મારી પાસે દવા લાવવા માટે પૈસા નહોતા. મેં પ્રાર્થના કરી, ભગવાન આ સ્થિતિમાં મને સંભાળી લો. હું બહુ નિરાશ હતો કે ઘરે જઈ પત્ની ને કેવી રીતે કહું કે પૈસા નથી. તેથી હું મારી ચા ની દુકાન પર ગયો અને હતાશા પૂર્વક ટેબલ પર માથું રાખ્યુ. ત્યાં તો એક સાકરના ડબ્બાની નીચે એક હજાર રૂપિયા જોયા.

આવી પહાડી ઉપર, આવી ઠંડીમાં, આટલે દૂર અડધી રાત્રે જો ઈશ્વર મને હજાર રૂપિયા આપી શકે, તો એમના અસ્તિત્વને કઇ રીતે નકારી શકાય? તેઓ પળ-પળ મારી સંભાળ લે છે. એમાં સંદેહ કઈ રીતે કરી શકાય?

આ કથામાંથી સંદેશ મળે છે તે ભગવાનનો અને એમના સમયનો ભરોસો રાખવો. અધીરાઈ ન કરવી. જો અપેક્ષાઓ હશે કે આવું થાય તો જ ભગવાનને મારા પ્રત્યે પ્રેમ છે, આવું થાય તો જ એમણે કૃપા કરી, તો આકુળ-વ્યાકુળ થશો. વિશ્વાસ રાખો કે એ છે ધ્યાન રાખવાવાળા અને એમની રીતે મારી સંભાળ લઈએ જ રહ્યા છે.

– પૂજ્ય શ્રી ડૉ.રાકેશભાઇ ઝવેરી

Comments
Loading...