આજે ગોંડલ રાજ્યના પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીનો જન્મદિવસ છે. નાના એવા ગોંડલ રાજ્યને મોટી નામના અપાવનાર ભગાબાપુના જીવનના કેટલાક પ્રેરક પ્રસંગો આપની સાથે વહેંચું છું.

ગોંડલમાં દરબારગઢ પાસેની એક શેરીમાં એક વિધવા બાઈ રહેતી હતી. પરિવારમાં આ બાઈ અને એનો એકનો એક દીકરો હતો. એકદિવસ આ વિધવા બાઈનો પુત્ર ક્યાંક ખોવાઈ ગયો. ખુબ શોધખોળ કરી પણ દીકરાનો કોઈ પતો મળતો નહોતો. પેલી બિચારી વિધવા પોક મૂકીને રડતી હતી. મહારાજા સાહેબને કોઈએ આ વાત કરી એટલે મહારાજા સાહેબે તુરંત પોલીસને બોલાવીને ગમે તેમ કરી ખોવાયેલા છોકરાને શોધી કાઢવાનો હુકમ કર્યો. આટલાથી સંતોષ ના માનતા મહારાજાએ પ્રતિજ્ઞા લીધી કે ‘જ્યાં સુધી વિધવા બાઈનો છોકરો નહિ મળે ત્યાં સુધી હું મોઢામાં અનાજનો દાણો પણ નહિ મુકું’. મહારાજની આ પ્રતિજ્ઞામાં મહારાણી નંદકુંવરબા પણ જોડાણા. જ્યારે છોકરો મળ્યો ત્યારે જ મહારાજા સાહેબે મહારાણી સાથે ભોજન લીધું.

એકવર્ષે ચોમાસા દરમ્યાન ઓછો વરસાદ થવાથી સમગ્ર ગોંડલ રાજ્યમાં ઘાસની અછત સર્જાણી. ખેડૂતો મહારાજાને અરજ કરવા દરબારગઢમાં આવ્યા. એક ખેડૂત આપવીતી સંભળાવતા સંભળાવતા રડી પડ્યો. ખેડૂતની વાત સાંભળીને ખુદ મહારાજાની આંખોમાંથી આંસુ સરી પડ્યા. ભગવતસિંહજીએ તુરંત જ આદેશ કરી ખેડૂતોને રાહત અપાવી. આટલું જ નહીં દુષ્કાળને કારણે ગોંડલ રાજ્યનું એકપણ પશુ ના મરે એનુ ધ્યાન રાખવા અને આ માટે ગમે તેટલો ખર્ચ કરવો પડે તો તે ખર્ચ કરવા પણ ફરમાન કર્યું.

ગોંડલ રાજકુટુંબના 16 સભ્યોની રસોઈ માટે દરરોજ બળતણ માટેના લાકડા વહીવટદાર ચિઠ્ઠી લખી આપે એટલા કાઢી આપવામાં આવતા. એક વખત થોડા મહેમાનો આવ્યા આથી વધુ લોકોની રસોઈ બનાવવાની હતી. આ દિવસે પણ બળતણ માટેના લાકડા તો રોજના જેટલા જ આપ્યા હતા. મહારાજાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે રસોયાને બોલાવીને કહ્યું, “16 માણસોની રસોઈ માટે જેટલા લાકડા વાપરે છે એનાથી જો વધુ માણસો માટેની રસોઈ બની શકતી હોય તો એનો મતલબ એ કે તું બળતણનો બગાડ કરે છે.રાજ્યને તારા કારણે થયેલા નુકસાનની ભરપાઈ માટે તારા પગારમાથી દર મહિને 2 રુપિયાનો દંડ વસુલ કરવાનો હું હુકમ કરું છું.”

એક વખત ભગવતસિંહજીના દરબારમાં એક ગઢવીએ મહારાજાના વખાણ કરતા અદભૂત દુહાઓ ગાયા. સૌ દરબારીઓને લાગતું હતું કે બાપુ આ ગઢવીને માલામાલ કરી દેશે પણ બાપુએ બહુ મામુલી ભેટ આપી. ભગવતસિંહજીએ ગઢવીનું સન્માન કરતા કહ્યું,” જો હું તમને મોટી ભેટ આપું તો ભેટની લાલચને લીધે ઠેરઠેરથી લોકો અહીં આવીને મારા સાચા ખોટા ગુણ ગાવા લાગે. જો આવું થાય તો મને એનો નશો ચડે અને હું અભિમાની બની જાવ. આવું ના થાય એટલા માટે હું તમને આ સામાન્ય ભેટ આપું છું.”

મહારાજા ભગવતસિંહના પાટવી કુંવર ભોજરાજસિંહને દારૂ પીવાની કુટેવ હતી. મહારાજાએ દારૂ મૂકી દેવા માટે કુંવર ભોજરાજસિંહને ખૂબ સમજાવ્યા, પણ ભોજરાજસિંહ દારૂ છોડી શકતા નહોતા. છેવટના ઉપાય તરીકે દારૂબંધીના ચુસ્ત હિમાયતી મહારાજાએ કુંવરને ગોંડલની હદ બહાર નીકળી જવાનો હુકમ કર્યો

એક વખત લોખંડ ના ભાવમાં અચાનક ઉછાળો આવતા ટાંચણીના ભાવ ખુબ વધી ગયા. ભગવતસિંહજી બાપુએ બાવળના દાંતણ વેંચેનારા લોકોને બોલાવીને કહેલું કે દાંતણ કાપવા જાવ ત્યારે ત્યાંથી બાવળન સુળો ભેગી કરીને સાથે લાવજો અને કચેરીમાં જમા કરાવ દેજો. બીજી તરફ કચેરીમાં પણ સૂચના અપાવીકે જ્યાં સુધી ટાંચણીના ભાવ ના ઘટે ત્યાં સુધી ટાંચણીના બદલે બાવળની સુળો વાપરો.

એક વખત ગોપાલકૃષ્ણ ગોખલે પુનાની ફરગ્યુશન કોલેજ માટે દાન લેવા ગોંડલ આવ્યા. ગોંડલ મહારાજાએ બહુ મોટી રકમનું દાન આપ્યું એટલે ગોખલેજી રાજી થઇ ગયા. એમણે મહારાજાને કહ્યું, “નામદાર, કોલેજના કોઈ ખંડ કે વિભાગને આપનું નામ આપીએ” મહારાજાએ કહ્યું,”આ નાણાં રાજ્યના ભંડોળમાંથી આપ્યા છે. રાજ્યનું ભંડોળ મારું નથી પણ પ્રજાનું છે આથી મારું નામ નથી રાખવું પણ મારી પ્રજાને લાભ થાય એવું કરો. ફરગ્યુશન કોલેજમાં મારા ગોંડલ રાજ્યના વિદ્યાર્થીઓ માટે કાયમી ધોરણે બે સીટ અનામત રાખો.” ગોખલેજીએ આ વાત માન્ય રાખી જેનો લાભ આજે પણ ગોંડલ રાજ્યના લોકો લે છે.

આજે એવો વિચાર આવે કે આ લોકશાહી કરતા ભગાબાપુની રાજાશાહી વધુ સારી.

Source: Shailesh Sir’s Facebook Post

Comments
Loading...