એક પાણી વગરના કૂવામાં બળદ પડી ગયો હોવો ખુબ જ ઊંડો અને સાંકડો હતો. બળદના બહાર કાઢવા માટેની કોઈ વિશિષ્ટ સગવડો તે ગામમાં નહોતી. બળદ ભૂખ અને તરસથી બરાડા પાડતો હતો. લોકોથી તે સહન થયું નહિ. કેટલાક વડીલોએ સલાહ આપી કે બળદ રિબાઈ રિબાઈને મળે તેના કરતાં તેના પર માટી નાખી દઈએ એટલે બળદ મળી જશે અને આ દુખમાંથી તેને મુક્તિ મળી જશે. ત્યાં હાજર સૌ એ વાત સ્વીકારી.

કેટલાક માણસો માટી લાવી બળદ ઉપર નાખવા લાગ્યા. પણ બન્યું ઊલટું. જેવી માટે બળદ પર પડે કે તરત જ બળદ શરીર હલાવે અને માટી નીચે પડી જાય. વળી, માટી પડે, બળદ શરીર હલાવે, માટે બળદની નીચે જાય અને ઢગલો વધતો જાય. બળદ તેની ઉપર ઊભો રહે. આમ છતાં એક સ્થિતિ એવી આવી કે બળદ લગભગ ઉપર આવી ગયો અને ગામલોકોએ તેને બહાર કાઢી લીધો. સૌ કોઈ આનંદિત થઈ ગયા.

આપણા જીવનમાં પણ કંઇક આવુ જ બને છે. આપણું મગજ જાણે કચરાટોપલી હોય તેમ લોકોએ સંભળાવેલી બિનજરૂરી વાતોને આપણે ભેગી કરીએ છીએ. કોઈ અયોગ્ય ટીકા કરે, આપણુ અપમાન કરે, ખોટો ગુસ્સો કરે, આપણી નિંદા કરે… આવી બધી જ બાબતોને મગજમાંથી ખંખેરી નાખો. તેની અસર મન પર ન લઈએ તો આપણે હળવાશ અનુભવી શકીએ અને વિકાસ કરી શકીએ. જો બિનજરૂરી અને આવી અર્થહીન બાબતોને આપણે મનમાં સંઘરી રાખીએ તથા તેને વારંવાર યાદ કરીએ તો આપણે તેના ભાર નીચે દબાઈ જઈએ, જે ભાર આપણને પ્રગતિના પંથ પર જતા રોકે.

વળી, આપણા મનમાં આપણા જ ભૂતકાળના કડવા અનુભવોને, ઝઘડાના પ્રસંગોને, ગુસ્સા માં બોલાયેલા શબ્દોને સંગ્રહ કરી રાખીએ તો આપણું મન ઉકરડો બની જાય. આ પ્રક્રિયા એટલી ધીમી અને સૂક્ષ્મ કક્ષાએ હોય છે કે આપણને તેનો ખ્યાલ પણ હોતો નથી અને આપણે પોતે જ પોતાનું નુકશાન કરી બેસીએ છીએ. તેથી શક્ય તેટલી બિનજરૂરી બાબતો ભૂલી જવામાં જ શાણપણ છે. આ બાબત થોડી અઘરી લાગશે પણ અશક્ય તો નથી જ. તો ચાલો નવા વર્ષે આપણે આપણી જાતને જ મદદ કરીએ… બધું ભૂલીને હળવાશ અનુભવી આપણે આપણો ઊર્ધ્વ વિકાસ કરીએ.

– ડો દિપકભાઇ આઇ.પટેલ

Comments
Loading...