નાનપણમાં બાળકના મગજના સંસ્કાર પડે છે તે પાકાં હોય છે. તેને જે ભણવા મળે, જુદાજુદા પુસ્તકો વાંચવા મળે, સોંગ મળે, તે કુમળા મન ઉપર ઘેરી છાપ પડી જતી હોય છે. અને તે તેના જીવનને ઘડે છે, તેની ભાવનાઓને આકાર આપે છે.

એકવાર શ્રવણ પિતૃભક્તિ નાટકનું પુસ્તક મોહનના હાથમાં આવ્યું. અતિશય રસપૂર્વક તે પુસ્તક મોહન વાંચી ગયો. તે દિવસોમાં કાચમાં ચિત્રો દેખાડનારા પણ ઘેર આવતા. તેમની પાસેથી શ્રવણ તેના માતાપિતાને કાવડમાં બેસાડી જાત્રા કરવા લઈ જાય છે, એ દૃશ્ય પણ મોહ અને જોયું. આની તેના મન પર ઊંડી છાપ પડી. ‘ મારે પણ શ્રવણ જેવા થવું’ એમ તેના મનમાં થયા કરે.

એવી જ રીતે મોહને એકવાર હરિશ્ચંદ્ર રાજાનું નાટક ભજવાતું જોયું. એ તેને ખૂબ જ ગમ્યું. મોહને મનમાં એ નાટક સેંકડો વખત ભજવ્યું હશે. સ્વપ્નમાં પણ હરિશ્ચંદ્ર આવે. સત્ય માટે ગમે તેટલા દુઃખ ભોગવવા પડે તો હસતે મોઢે ભોગવવા એ વાત મોહનના મનમાં પાકી થઈ.

આ મોહન એટલે મોહનદાસ કરમચંદ ગાંધી. જાતે કષ્ટ વેઠીને પોતાને જે સત્ય લાગે તેનું પાલન મરણાંતે પણ કરવું, એવો સત્યાગ્રહનો જે અહિંસક કિમીયો પાછળથી શોધાયો, તેના બીજ આ બધા સંસ્કારો મારફત એમનામાં નાનપણથી પડેલા જણાય છે.

Comments
Loading...