એક સ્ત્રી નદી કાંઠા પર કપડા ધોઈ રહી હતી. એનું નાનું બાળક થોડે દૂર રમતું હતું. નદીમાંથી એક મગર બહાર આવી. માનું ધ્યાન મગર પર પડ્યુ અને એનું હૃદય ધબકારો ચૂકી ગયું. બાળકને બચાવવા માએ દોટ મૂકી પણ માં બાળક સુધી પહોંચે એ પહેલા મગરે બાળકનાં પગ પકડી લીધા. માં હવે રણચંડી બની અને વ્હાલાસોયા સંતાનને બચાવવા કૂદકો મારીને બાળકના બંને હાથ પકડી લીધા.

મગર અને માં વચ્ચે ખેંચતાણ ચાલુ થઈ. એક તરફ મગર બાળકને એનો ખોરાક બનાવવા ખેંચી રહી હતી અને બીજી તરફ માં બાળકનો જીવ બચાવવા એને ખેંચી રહી હતી. આ ખેંચતાણમાં માની જીત થઈ. મગરના મુખમાંથી બચી ગયેલો બાળક ખુબ રડી રહ્યો હતો. ખેંચતાણ થવાથી બાળકના હાથ પર માના નખથી ઉઝરડા પડ્યા હતા અને એમાંથી લોહી પણ નીકળતું હતું.

બાળકને મનના થયું કે આવી તે કંઈ માં હોતી હશે. મને કેવો દુ:ખી કરી દીધો. મારી તકલીફનો એને જરા પણ વિચાર નહિ આવ્યો હોય ! માં બાળકનો ચહેરો જોઈને એના મનોભાવ સમજી ગઈ. એણે બાળકના માથા પર પ્રેમથી હાથ ફેરવતા ફેરવતા કહ્યું “બેટા, મને માફ કરજે મારાથી તને દુ:ખ પહોંચ્યું. તને દુ:ખી કરવાનો વિચાર મને સ્વપ્નમાં પણ ના આવે. પણ તારો જીવ બચાવવા મારે એમ કરવું જરૂરી હતું. બેટા, ઉઝરડા તો થોડા દિવસમાં રૂઝાઈ જશે પણ તને નવું જીવન મળી ગયું એ તો જરા જો.” બાળક અણસમજુ હતો એટલે એ વખતે તો એ નાં સમજી શક્યો પણ મોટો થયા પછી એને સમજાયું કે માંએ એના પર કેટલો મોટો ઉપકાર કર્યો છે.

મિત્રો આપણા જીવનમાં ઘણા વખત એવા સંજોગો આવે છે કે જેના હીસાબે આપણા વિચારો ફરી જાય છે, પરંતુ ઘણી વખત વીચાર્યા પછી કે સમય વિતતા જ આપણને ખબર પડે છે કે જે થયુ તે સારુ થયુ હતુ!

લેખક ઃ શૈલેષ સગપરીયા

Comments
Loading...