એક રાજા એના રાજ્યના પ્રવાસે નીકળ્યા. જ્યોતિષમાં એને ભારે શ્રદ્ધા એટલે રાજ જ્યોતિષી ને એની સાથે લઈ ગયા. રસ્તામાં એમને એક ખેડૂત મળ્યો પણ બન્નેએ વેશ પલટો કરેલો એટલે ખેડૂત એમને ઓળખી શક્યો નહીં. જ્યોતિષીએ પૂછ્યુ, “અરે આમ ઉતાવળે ક્યાં જાશ ? તને ખબર છે આ તો દક્ષિણ દિશા છે અને આજે થયો ગુરુવારે આ તો સામો કાળ કહેવાય. પાછો વળ અને શુભ ચોઘડિયું લઈને જોઈને આવતી કાલે નીકળજે.”

ખેડૂતે તરત જ કહ્યું મહારાજ સામો કાળ મારો કોળીયો કરી જવાનો હોત તો હું ક્યારેય ક્યારનોય એનો ભોગ બની ગયો હોત. આજે જ શુ કામ હું તો દર ગુરૂવારે અને રોજ આ જ દિશામાં જાવ છુ. પોતાની વાતની ખેડૂત પર સહેજે અસર ન થઈ એટલે રાજા આગળ પોતાનું ઊંચું દેખાડવા એ ખેડુત ને કહે,”તારો હાથ બતાવતો?” ખેડૂતે જ્યોતિષી તરફ હાથ ધર્યો કે જ્યોતિષી તાડૂકી ઉઠયા, “અરે મૂર્ખ તે હથેળી જમીન તરફ રાખી છે આ કાંઈ હાથ બતાવવાની રીત છે.?”

ખેડુત હસતા હસતા કહે હથેળી કોણ ફેલાવે એ જાણો છો? મહેનત કર્યા વગર જેને કાંઈ મેળવવું હોય એ જ બીજાની સામે હથેળી લંબાવે છે! મને તો મારી ધરતી માતા બધું જ આપે છે. એટલે મારી હથેળી એના તરફ જ લંબાઈને. ખેડૂતની વાત માં રહેલો શ્રધ્ધા નો રણકો સાંભળી રાજાની અંધશ્રધ્ધા ખરી પડી.

એણે જ્યોતિષીને ત્યાંથી પાછા વળી જવા કહ્યું. પણ જ્યોતિષી જેનું નામ એ કહે, “પણ મહારાજ આજે તો ગુરુવાર સામો કાળ. પણ હવે રાજાની વિવેકબુદ્ધિ જાગી ગઈ હતી, “એ કહે આપણને કશુંય નહીં નડે ચાલો જલ્દી કરો રાજ્યનું કામકાજ ખોટી થાય છે.”

વિવેકબુદ્ધિ દરેક સંજોગોમાં આપણને સાચે રસ્તે દોરે છે લાગણીના ધસમસતા પૂરને નાખીને એ હાથ મસળતા ચગાવે છે અને આવી આત્મશ્રદ્ધા આપણને કાર્યરત રાખે છે આવી કાર્યરત શ્રદ્ધા મુશ્કેલીમાંથી માર્ગ કાઢવા મદદરૂપ નીવડી પ્રગતિના પંથે પ્રયાણ કરાવે છે.

લેખક : રાજુ અંધારીયા

Comments