“મમ્મી,મારો લંચ બૉક્સ અને સ્કૂલ ડ્રેસ તૈયાર છે. મારે ઉઠવામાં મોડું થઈ ગયું. તું પણ ખરી છે…ચીમટો ભરી ઉઠાડી દેવાય. અને હા મારી સ્કૂલની ફી ભરવાનો આજે છેલ્લો દિવસ છે. કારવાળા કાકા પણ મહિનાનું ભાડું માંગતા હતાં. એમને શું કહું?” રિકીન એક શ્વાસે બધું બોલી ગયો.

“વાક્યો વચ્ચે થોડો શ્વાસ તો લે. એક સાથે બધું બોલી ગયો. મારો મીઠઠું પોપટ. બધાંને પૈસા ચુકવાઈ જશે. તું ભણવામાં ધ્યાન રાખ. સ્કૂલ ડ્રેસ તારા કબાટમાં જ છે. નાસ્તાનો ડબ્બો મારાં હાથમાં. મારો કુંવર… ”

કહીને રીટાબેન એનાં કપાળ પર હળવું ચુંબન ભર્યું.

“ઉભો રહે કાન પાછળ ટીલું કરવાનું રહી ગયું. કોઈકની નજર.. ”

એ તો બાય બાય કહીને સાંભળ્યા વગર ઘરની બહાર દોડી ગયો.

રીટાબેન રિકીનને એકલાં હાથે ઉછેરતા હતા. સરકારી નૌકરી સાથે સરસ મજાનું ઘર હતું. પૈસાની કોઈ તકલીફ નહોતી.પરંતુ ‘વન મેન આર્મી’ની માફક બધે જ ઝઝૂમતા હતા.રિકીન એમનાં પ્રેમની નિશાની હતી. જુવાનીમાં કરેલી ભૂલ એવું કઈ નહોતું.પોતે સામે ચાલીને પ્રેમી પાસે બાળકની ઈચ્છા દર્શાવી હતી. એ વિષે એમણે ક્યારેય અફસોસ કે સામેની વ્યક્તિ પર ફિટકાર નહતો કર્યો. પ્રેમીએ દુનિયાથી લડી લઈને સાતફેરાનાં બંધનમાં જોડવવાં વારંવાર કહ્યું. રીટાબેન એક ના બે ન થયાં.

આજે એ સિંગલ મધર તરીકે રિકીનને ઉછેરતા હતા.પોતાના બાળક પાછળ પોતાનું જ નામ રાખ્યું હતું.રિકીને એ વિષે ક્યારેય સવાલ નહતો કર્યો.

“મમ્મી..મેં આજ સુધી તને ક્યારેય પપ્પા વિષે નથી પૂછ્યું. તું કદાચ દુઃખી થાય. મેં તને આજે સવારે બધું જ એકલા હાથે કરતી જોઈ એટલે…એમ તો કાયમ જોઉં જ છું. મારે જાણવું છે. હું કોનું સંતાન. મારાં પપ્પા કોણ..જીવે છે કે નહીં..શું એમને મારી યાદ નથી આવતી..હું ગમતો નથી… !”

“મારો પોપટ ફરી બોલ્યો. તેં મને ક્યારેય પૂછ્યું નથી અને મેં જણાવ્યું નથી.હું તને કદાચ ખોઈ બેસું તો..તારાં પપ્પા છે. ખૂબજ સારા માણસ છે. એવું નથી કે એ તને યાદ નથી કરતા. તું એમને બહુ વ્હાલો છે.મારે જ એમની સાથે રહેવું નહોતું.એમાં એમનો કોઈ વાંક નથી. ”

“એવું શા માટે? તું મને ખૂબ પ્રેમ કરે છે…મારે પપ્પા પણ…તનેય થોડી રાહત રહે. ”

રીટાબેન ફરી એકવાર પોતાના લીધેલ નિર્ણય અંગે અસમંજસમાં પડ્યા.

એક સાંજે રિકીનને સરપ્રાઈઝ આપવા લઈ ગયા.
પણ..એ પોતે જ સરપ્રાઈઝ થયા.

બહુમાળી બિલ્ડિંગના છઠ્ઠા માળે મિ. નહેરાની ઓફીસ સ્થિત હતી. આજે એ ખુબજ પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે વેપાર જગતમાં નામના મેળવી ચુક્યા હતા.

ત્યાં રીટાબેન રિકીન સાથે જઈ પહોંચ્યા. વાતાવરણ ગંભીર હતું. રિસેપ્શનિસ્ટને પોતાની ઓળખ આપી.

“હલો..હું રીટા મહેરા. મારે મિ… મળવું છે. જરા એમને કેબિનમાં જાણ કરો કે મિસ….”.

રિસેપ્શનિસ્ટે જે સમાચાર આપ્યા એ સાંભળી રીટાબેન બે ગણી ઝડપે લિફ્ટની જગ્યાએ દાદરો ઉતરી હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં ખુબજ ભીડ હતી. રીટાબેને ત્યાંના કાર્ડિયો સ્પેશિયાલિસ્ટને જઇ મિ. નહેરાની પૂછપરછ કરી.

“ડોક્ટર સાહેબ, હું મિસ. રીટા મહેરા.. મિ. નહેરાની તબિયત સુધરી જશે ને. તમારું શું માનવું છે ? ”

“મિસ..તમે એમના શું થાવ ? દર્દી વિષેની માહિતી અમે બધાને ના આપી શકીએ. એમના સગા અને સંબંઘીને જ..”

“હું એમની મિત્ર થાઉં…પ્લીઝ મને જણાવો. વર્ષોથી અમે એક બીજાથી દૂર હતા. આજે એમને મળવા ઓફીસ ગઈ ત્યાં એમની તબિયતની જાણ થઇ અને હું તમારી સામે..”

“ઓકે.. એમને એટેક આવ્યો છે. હૃદય વધારે નબળું પડ્યું છે. દિવસ રાત કામ અને પૈસા પાછળની આંધળી દોટ અને જીવનમાં રહેલી એકલતાનું પરિણામ છે.”

બે મિનિટ માટે રીટા એકલતા શબ્દ સાંભળીને અબક ખાઈ ગઈ. આટલો મોટો બિઝનેશ ટાયકુન અને એ પણ એકલો. એને પોતાના વર્ષો પહેલા લીધેલ નિર્ણય પર પારાવાર પસ્તાવો થયો. ગળામાં ડૂમો બાઝી ગયો. હવે મિ. નહેરાના ભાનમાં આવવાની રાહ જોઈ રહી.

” મમ્મી..શું થયું. કેમ આમ દુઃખી લાગે છે..મને જણાવ..આપણે અહીં હોસ્પિટલમાં કેમ ? તું મને બહાર ફરવા લઇ જઇ રહી હતી. અહીં કોણ દાખલ છે..અને આ મિ. નહેરા…” ફરીવાર રિકીન એક સાથે સવાલો પૂછી બેઠો.

” રિકીન શાંતિ રાખ બેટા.. તારા દરેક સવાલોના જવાબ પેલા ઓપરેશન થિયેટરમાં બંધ છે. પ્રાર્થના કર કે એ વ્યક્તિ સારા થઈને બહાર આવે અને તારા સવાલોના સંતોષકારક જવાબ આપે.” એમ કહી રીટાબેને એને ચુપ કર્યો.

મિ. નહેરાનું ઓપરેશન સારી રીતે પાર પડ્યું. ભાનમાં આવ્યા પછી રીટાબેન અને રિકીન એમને જઈને મળ્યા. છોકરાના જીદની વાત કરી. પોતે હાથ જોડીને માફી માંગી.

” મારી એકલતા માટે મેં ક્યારેય તને દોષી ગણી નથી. તારા ગયા પછી હું કોઈને પણ મારા હૃદય તથા જીવનમાં સ્થાન ન આપી શક્યો. એક સારો બિઝનેસમેન થયો પરંતુ સારો પ્રેમી ના થઇ શક્યો. એની કચવાટ મારી ભીતરને કોતરતો રહ્યો. બાળક સાથે અલગ રહેવાનો તારો સ્વતંત્ર નિર્ણય હતો. મેં ક્યારેય એમાં હસ્તક્ષેપ કરવાનું યોગ્ય ના ગણ્યું. આજે તું અહીં આવી એ પણ તારો જ… જો તું હા કહે તો હું આજે પણ તારા જીવન રથનો સારથી થવા તૈયાર છું. ”

રિકીન રીટાબેન અને મિ. નહેરા સામે હજીપણ સવાલ રૂપે તાકી રહ્યો.

લેખક : શીતલ ગઢવી
સ્ત્રોત : વેબ

Comments
Loading...