રોજ કરતાં આજે એ વહેલી ઊઠી. નાનાં શિશુનાં સૂર્યકિરણો હજી ડોકિયાં કરતાં હતાં. એણે કેલેન્ડરનું પાનું દીઠું અને મલકી ઊઠી. ડાઈનીંગ ટેબલ પર કૉફીનો મગ અને પ્યાલા મૂક્યા.
બ્રેડબટર, ફ્રૂટ્સ અને નટ્સ પણ. ઘડિયાળે સાતના ટકોરા કર્યા.

દાદરનાં પગથિયાં પર એણે પગરવ સાંભળ્યો. એણે રોમાંચ અનુભવ્યો.
‘રેખા, આજે તું વહેલી ઊઠી ગઈ કે શું ?’ દાદર ઊતરતાં જ કેતને પૂછ્યું. પ્રત્યુત્તરમાં એણે સ્મિત વર્યું. કેતન ટેબલ પાસેની ખુરશી પર બેઠો. ઈસ્ત્રીબંધ વસ્ત્રોમાં સજ્જ એની ગૌર કાયા શોભતી હતી. માથાના શ્વેત કેશ ફરફરતા હતા.

રેખાના હોઠ પર સ્મિત ફરફરતું હતું. દોડતી એ ગાર્ડનમાં ગઈ. ગુલાબ લઈ આવી. કેતનને સોંપતાં બોલી, ‘યાદ છે તને ? આજે આપણી લગ્નતિથિ !’

‘લગ્નતિથિ ભૂલી જવાય કૈં ? બોલ, તારે શું જોઈએ છે ?’ એ કેતનને તાકી રહી.

ગુલાબ સૂંઘી, બુશશર્ટ પર બટન હોલ્સમાં નાખવાને બદલે ટેબલ આડું અવળું મૂકી, કૉફી ગટગટાવી કેતન ઊભો થયો. આજે પ્રેસ પર વહેલા જવું છે. સૌમિલ આવે તે પહેલાં કેટલાંક ડિલ્સ તારવી લેવાં છે, પણ હું ઈસ્કોન દર્શન કરીને પ્રેસ પર જવાનો છું. તારે આવવું છે ?’

રેખા કીચનમાં દોડી ગઈ. પાછી ફરી ત્યારે કેતન ચાલ્યો ગયો હતો. એ ટેબલને નીરખી રહી.

આવા જ ટેબલ પર વર્ષો પહેલાં પહેલી લગ્નતિથિએ કેતને હોંશભેર કહ્યું હતું, ‘આજે આપણી લગ્નતિથિ. લે, આ. અને એણે ડાયમંડનો નેકલેસ એને પહેરાવ્યો હતો. પછી બોલ્યો હતો, ‘આજે પ્રેસ પર નથી જવું. આપણે બંને આખો દિવસ ઘૂમીશું. હું અને તું બે જ. કલબમાં જમીશું.’

એને આ સાંભર્યું, ત્યારે આટલો મોટો બંગલો નહોતો, ફલેટ હતો. અને આજે ? એ ટેબલને – નિર્જન ટેબલને નિહાળી રહી, આંખોમાં ઘૂમતા સૂનકાર સાથે. મેડીએથી પુત્ર-પુત્રવધૂ ઊતર્યા.

‘પપ્પા ગયા ? મારે એમની સાથે જવાનું હતું.’ પુત્રે કહ્યું.

પુત્રવધૂએ કહ્યું : ‘હું આમની સાથે જાઉં છું. આજે મારી ફ્રેન્ડની લગ્નતિથિ છે. ત્યાં જમવાની છું. એ પણ સાંજે ત્યાં આવશે અને સાંજે બેબીને ય આયા લાવશે. ત્યાં સુધી બેબીને સાચવજો, રમાડજો.’

બંને બહાર નીકળી ગયાં. કારનો ઘૂર્રરાટ…. આંખોમાં સૂનકાર ભરીને એ કીચનમાં ગઈ. આજે એનીય લગ્નતિથિ હતી પણ…

બપોરે, ડ્રોઈંગરૂમમાં એણે રેડિયો ટ્યૂન કર્યો. ગીત સરતું હતું, ‘બહારો ફૂલ બરસાઓ, મેરા મહેબૂબ આયા હૈ.’ એક ઝાટકે રેડિયો બંધ કરી દીધો. આજેય એનો મહેબૂબ… એ સોફા પર આડી પડી.

કેતનના શબ્દો પડઘાતા હતા – તારે શું જોઈએ છે ? મનમાં તો – ? દીવાલ પર લટકતા ફોટાઓ પર એની દષ્ટિ પડી. અને એની સ્મૃતિ – સંવેદનાની સૃષ્ટિમાં ડૂબી ગઈ. આ ફોટો માનો હતો. ફોટામાં હતી તે મા હતી તેવું સ્વજનોએ કહ્યું હતું એટલે એ તેને મા કહેતી હતી. એણે ક્યાં માને નિહાળી હતી ? માનું દૂધ એણે ક્યાં પીધું હતું ! સાંભળ્યું હતું કે એ જન્મી અને સત્વરે જ ઈશ્વરે મા છીનવી લીધી. ત્યારે તો એને જોઈતો હતો માનો ખોળો, માનો પાલવ, માનું વહાલ એ ઝંખતી હતી. પણ જોઈતું હતું તે બધું…

એની આંખો ભીની થઈ. અંતરની સ્મૃતિ તોય રણકતી હતી. આ પપ્પા ! પપ્પાએ જ બે બહેનોને ઉછેરી. અમને એ જ જાળવતાં. પણ પપ્પા ‘મા’ બની શકે ? પપ્પા અમને વહાલ કરતાં પણ માનું વહાલ પપ્પા આપી શકે ? એ રોજ પૂછતા – ‘તમારે શું જોઈએ છે ?’ રોજ રોજ નિશાળે મૂકી જતા. રસોઈયાને કહેતા, ‘નિશાળેથી બંને પાછાં ફરે ત્યારે નાસ્તો કરાવી એમનાં નાની પાસે મૂકી આવજો. હું તેડી લાવીશ.’ રાત્રે એ આવતા નાનીને ઘેર ત્યારે ચોકલેટ, કૅડબરી, નવાં ફ્રૉક્સ લઈને આવતા. મોડી રાતે અમે પાછાં ફરતાં. પપ્પા અમને બંનેને સુવાડી દેતા.

નાની સદા કહેતી ‘તમે બંને પરણશોને ત્યારે…’ મોટીબહેનને પપ્પાએ પરણાવી. કન્યાવિદાય વખતે નાની અને મોટીબહેનની આંખોમાં વરસાદ હતો. બંને એકમેકને વીંટળાઈ વળ્યાં હતાં. એક ખૂણામાં પપ્પાની આંખો ભીની થતી હતી. હું મોટીબહેનને વીંટળાઈ પડી. બે વર્ષ પછી મારાં લગ્ન લીધાં પપ્પાએ, પણ ત્યારે નાની નહોતાં. માના ફોટા સામે નિહાળતાં પપ્પાએ વિદાયવેળાએ એટલું જ કહ્યું : ‘આ તમારું જ ઘર છે. આવતા રહેજો.’ લગ્નને બીજે જ વર્ષે હું અને કેતન ગયાં. પપ્પા હતાં હોસ્પિટલમાં – કેન્સર ! લાસ્ટ સ્ટેજ અને…. પપ્પા હતા એટલે મહિયરનું સુખ હતું પણ એ ય ક્યાં રહેવા દીધું ઈશ્વરે ! મા જેવી મોટીબહેન ખરી પણ એનું ઘર મહિયર કેમ બને ?

રિકતતા અનુભવતી એણે સાડલાને છેડેથી ભીની આંખ લૂછી. ફરી પાછી સંવેદના સૃષ્ટિમાં…

આ ફોટો અમુલનો – પહેલા દીકરાનો. અમૂલ અમૂલ્ય હતો કારણ કે માતૃત્વનો આનંદ હું પામી હતી. અને અમૂલ ને બીજે વર્ષે સૌમિલ જન્મયો. ત્યારે આ બંગલો નહોતો, નહોતી આટલી સમૃદ્ધિ, પણ ફલેટ તે અમારું સ્વર્ગ હતું. કેતને એક દિવસ કહ્યું : ‘આપણે બંગલો બાંધીએ.’

‘હા, અમૂલને પરણાવવો પડશે ને ! ત્યાર પછી સૌમિલને પણ. એમને સંતાનો થશે. આપણી લીલીવાડી.’
અમૂલ કહેતો, ‘પપ્પા ! પરણાવવાની શી ઉતાવળ છે ? મને આપણો ધંધો જમાવવા દો ને !’ અમૂલ પ્રેસમાં ઝઝૂમતો હતો. કેતનના સંપર્કો અને અમૂલની મહેનત…. સમૃદ્ધિ વધતી હતી. બંગલો બંધાતો હતો.

‘આ વર્ષે તો અમૂલના લગ્ન લઈએ જ.’ મેં કહ્યું.
‘તને મારી અદેખાઈ આવે છે. અમૂલે મારો ભાર, મારી જવાબદારી ઘટાડ્યાં. તારે પણ તારી જવાબદારી કમ કરવી છે, ખરું ને ?’

ટેલિફોન રણકતો બંધ થઈ ગયો. એની નજર અમૂલના ફોટા પર સ્થિર થઈ… અને… અને એક હીબકું સરી ગયું. ત્યારે, આમ જ ટેલિફોન રણક્યો હતો. કેતનનો. અમૂલને એક્સિડન્ટ થયો હતો. એની બાઈક સાથે ટ્રક અથડાઈ હતી.

‘ચિંતા ન કરતી. હું ત્યાં પહોંચું છું.’… અને કેતન અમૂલના મૃતદેહને કારમાં લઈ પાછો ફર્યો હતો.

મારું સ્વપ્ન હતું અમૂલની પુત્રવધૂના આગમનનું. મેં ઝંખી હતી લીલી વાડી. પણે તે બધું જ છીનવાઈ ગયું. પછી તો કેતને લગભગ વૈરાગ્ય અપનાવ્યો. ડીનર ટેબલ પરનો બિયર અદશ્ય થયો. ને દેશવટો દેવાયો. દીકરો બાપને ‘ઈસ્કોનનો વારસો’ દઈ ગયો હતો. સવારનો નાસ્તો બંધ. વહેલાં ઊઠી, ગાર્ડનના પુષ્પો સાથે ઈસ્કોનગમન. પ્રેસની જવાબદારીઓ પણ કમ કરી. પ્રેસ જવાનું પણ ધ્યાન સૌમિલે રાખવાનું. જવાબદારી હવે સૌમિલની.

એકવાર મારાથી બોલાઈ ગયું : ‘આ સૌમિલના લગ્ન….’
‘કૃષ્ણને કરીશું…’
‘તું ગાંડો થયો છે કે શું ?’

‘અમૂલનાં લગ્ન લેવાં હતાં. લઈ શકાયાં ?’

ત્યાં જ સૌમિલ ટપક્યો, ‘પપ્પા, હું ગૌરીને પરણવાનો છું. અમે સિવિલ મેરેજ કરવાનાં છીએ.’ મારે તો ધામધૂમથી તેનાં લગ્ન લેવાં હતાં. હવે તો તે જ એકનો એક દીકરો હતો ને !

અમૂલની લીલી વાડી ? સૌમિલનાં લગ્નની ધામધૂમ – આ મારી ઝંખનાઓ…

સૌમિલની બેબી પ્લેહાઉસમાંથી આવી ગઈ હતી. દોડતી દોડતી તે મારી પાસે રમવા આવી. રમતાં રમતાં એકાએક બોલી, ‘મમ્મા ! હું મોટી થઈશને ત્યારે તારે માટે શું લાવીશ તે ખબર છે ? તું જોતી જ રહીશ, મમ્મા ! તું જોતી જ રહીશ.’

મેં બેબીને ચૂમી ભરી. ‘મમ્મા ! તું ઉપર ઓરડામાં કેમ નથી આવતી ? મમ્મી-પપ્પાએ ના પાડી છે ?’ એક વેધક પ્રશ્ન. ના જ પાડી હતી ગૌરીએ. ઉપરના એમના ઓરડામાં પગ મૂકવાની ના પાડી હતી. કેતન વારંવાર કહેતો : ‘તને તે આયા માને છે, સાસુ નહીં.’ અને દીકરોય માને જાણે કે ભૂલી ગયો હતો. વહુ સામે કશું જ બોલી શકતો નહોતો.

ત્યાં જ બેબી બોલી : ‘મમ્મા ! હું મમ્મી-પપ્પાને કહી દઈશ કે મમ્મીને આવવાની ના પાડી છે તો હું તમને કાઢી મૂકીશ.’ હું બેબીને બાઝી પડી.

‘ચાલ, બહાર ચોકલેટ લેવા જઈશું ?’

‘ના. મમ્મી કહેતી’તી કે ચોકલેટ-કેડબરી નહીં ખાવાનાં. દાંત બગડે !’ એનીય ના ?
‘આપણે લતામાસીને ત્યાં જવાનું છે. મમ્મી-પપ્પા ત્યાં રાહ જોતાં હશે.’ કહીને આયા બેબીને લઈ ગઈ.

ફરી પાછો સૂનકાર.
સાંજનો અંધાર.
ત્યાં જ ડોરબેલ રણક્યો. એણે બારણું ખોલ્યું. કેતન પ્રવેશ્યો.

‘સોરી ! હું ભૂલી જ ગયો કે આપણી લગ્નતિથિ છે. ઈસ્કોનમાં આજે મહાપૂજા હતી એટલે ત્યાં જ હતો. પ્રેસ પણ ના ગયો. લે આ મહાપૂજાનો પ્રસાદ.’

પ્રસાદ નેત્ર-મસ્તક અડાડી એણે મોમાં મૂક્યો. એ બોલી : ‘તું આપે છે એટલે જ આ લઉં છું, પણ કેતન મારે તારો પ્રસાદ જોઈએ – તારો પ્રેમ, તે જ મારો પ્રસાદ.

સવારે તેં પૂછયું હતું ને કે તારે શું જોઈએ ? મારે જોઈએ તારો પ્રેમ જ. જિંદગીમાં કશું જ પૂરું પામી નથી ત્યારે મારે પામવો છે તારો પ્રેમ જ. ઝંખ્યું ન પામનારી તારા – તારા જ પ્રેમને ઝંખે છે’….. અને ભીની આંખે એ કેતનને વળગી પડી.

લેખક : રવીન્દ્ર ઠાકોર

Comments
Loading...