તમને સહજ રીતે થશે કે આ બે કહેવત ને પોસ્ટ નું શિર્ષક કેમ આપ્યુ છે ? કારણ કે આ જજ કરવુ તમારા માટે અઘરુ થઈ જશે.

માણસ જે રીતે બોલે છે એના પરથી એના વ્યક્તિત્વનું માપ નીકળી જાય છે.

તમે જોશો કે દરેક માણસની વાતચીત કરવાની અલગ અલગ સ્ટાઈલ હોય છે. કેટલાક લોકોની વાત જાણે આપણે સાંભળ્યા જ કરીએ એટલો બધો રસ પડે છે, જ્યારે કેટલાકની વાતમાં આપણને એટલો કંટાળો ઊપજે છે કે ક્યારે પીછો છૂટે એનાથી ? કંટાળાજનક વાતચીત અથવા વાતચીતની નિષ્ફળતાને નોતરતું એક પરિબળ છે વાતનું વતેસર. વાતનું વારંવાર પુનરાવર્તન.

પ્રસિદ્ધ હાસ્યલેખક માર્ક ટ્વેઈને લાંબુ લાંબુ બોલી અને નિરર્થક રીતે વાતને ખેંચીતાણીને લાંબી-પહોળી કરનાર વિશે એક માર્મિક કથા આલેખી છે.
સાંભળીએ માર્ક ટ્વેઈનના જ શબ્દોમાં

એકવાર અમે બધા હાર્ટફોર્ડ ચર્ચમાં ત્યાંના પાદરી શ્રીમાન હાઉલીનું પ્રવચન સાંભળવા એકઠા થયા હતા. એ અમને એવા જરૂરિયાતમંદ લોકો વિશે વાત કરવાના હતા કે જેઓ ખરેખર ગરીબ હોવા છતાં કોઈ પાસે મદદ માટે હાથ ફેલાવવાનું પસંદ કરતા નહોતા. હાઉલીએ અત્યંત દારૂણ પરિસ્થિતિમાં ઝૂપડપટ્ટીમાં વસતા એ ગરીબ લોકોનું હૃદયસ્પર્શી ચિત્રણ રજૂ કર્યું. એ સાંભળીને મારું દિલ દ્રવી ઊઠ્યું. એ સમયે મારા ખિસ્સામાં ચારસો ડૉલર હતા. એ બધા, તેમજ બની શકે તો ઉછીના લઈને થોડા વધારે પણ મેં એમને આપી દેવાનું નક્કી કર્યું.

બીજા શ્રોતાઓની હાલત પણ મારા જેવી જ હતી. પરંતુ એ વખતે શ્રીમાન હાઉલીએ દાન માટેની પેટી ફેરવવાને બદલે પોતાનું પ્રવચન ચાલુ રાખ્યું. ગરમી વધતી જતી હતી. લોકોનો કંટાળો પણ વધતો જતો હતો, પણ પાદરીનું પ્રવચન આગળ ધપ્યે જ જતું હતું. હવે હું કંટાળ્યો હતો, મને આળસ થવા લાગી અને મારી આંખો ઊંઘથી ઘેરાવા લાગી. દાન માટેનો મારો શરૂઆતનો ઉત્સાહ હતો એ પણ મંદ પડવા લાગ્યો હતો. ચારસો ડૉલરથી ઘટીને હું એકસો ડૉલર પર આવી ગયો, અને પછી તો એનાથીય નીચે પહોંચી ગયો અને જ્યારે ખરેખર દાનની પેટી ફેરવવામાં આવી ત્યારે મેં એમાં કશું નાખવાને બદલે એમાંથી દસ સેન્ટ ઉઠાવી લીધા !

લાંબી લાંબી વાત કરનાર માર્ક ટ્વેઈનની આ રમૂજ કદાચ અતિશયોક્તિભરેલી લાગે, પરંતુ એણે આ મર્મ રજૂ કરી એક હકીકત ઉપર પ્રકાશ ફેંક્યો છે !
એકધારું, લંબાણપૂર્વક બોલનાર કે મૂળ વાતનું વારંવાર પુનરાવર્તન કરનાર વ્યક્તિ વાતચીતમાં નિષ્ફળ નીવડે છે.

અંત માં ઃ મે તો એવુ જજ કર્યુ કે ન બોલવુ કે બહુ બોલવુ એના કરતા માપસર બોલવુ સારુ ખરુ કે નહિં ?

સ્ત્રોત : “જસ્ટ એક મિનીટ” – ચિત્રલેખા માંથી
લેખક : રાજુ અંધારીયા

 

 

Comments
Loading...