એકવાર સ્વામી વિવેકાનંદ કોઇ મોટા સ્મારકના નિર્માણનું કામ જોવા માટે ગયા. એમણે સમગ્ર સંકુલની મુલાકાત લીધી. હજારો કારીગરો કામ કરતા હતા. પરંતું વિવેકાનંદજીએ જોયુ કે બધા પથ્થર ઘડવાનું એક સમાન કામ કરતા હતા પરંતું કેટલાક આનંદથી તો કેટલાક દુખ સાથે કામ કરતા હતા. વિવેકાનંદજી વિચારમાં પડી ગયા કે કામ સરખુ છે વેતન પણ સરખુ છે તો પછી અહીંયા કોઇના ચહેરા પર આનંદ , કોઇના ચહેરા પર દુ:ખ અને કોઇ ને ના આનંદ કે ના દુ:ખ આવું કેમ ?

એ પહેલા એવા લોકોને મળ્યા જે દુ:ખી દેખાતા હતા અને એવા લોકોને પુછ્યુ કે,” તમે લોકો શું કરો છો ?” પેલા લોકોએ જવાબ આપ્યો , “ અરે મહારાજ શું કરીએ આ નસિબ નબળા કે કાળી મજુરી કરીએ છીએ અને દિવસો કાઢીએ છીએ. ગયા જન્મમાં કોઇ પાપ કર્યા હશે એના આ ફળ ભોગવીએ છીએ.”

પછી એવા લોકોને મળ્યા જેના ચહેરા પર ન તો આનંદ હતો કે ન તો દુ:ખ હતું અને એમને પણ આ જ સવાલ પુછયો. પેલા લોકોએ જવાબ આપ્યો , “ બસ જો આ ઘરસંસાર માંડ્યો છે તો હવે બૈરા છોકરાવને ખવડાવવું તો પડશે ને તે કામ કરીએ છીએ અને જવાબદારી નિભાવીએ છીએ.”

છેલ્લે વિવેકાનંદ એવા લોકોને મળ્યા જેના ચહેરા પર આનંદ હતો અને આ જ સવાલ એમને પણ પુછ્યો. પેલાઓ એ પ્રસન્નતા સાથે જવાબ આપ્યો , “ અરે સ્વામીજી અમને તો આ દેશની મોટામાં મોટી સેવા મળી છે. આ દેશની સંસ્કૃતિને ઉજાગર કરતું આ સ્મારક બની રહ્યુ છે , ભવિષ્યમાં લાખો લોકો આ સ્મારકની મુલાકાતે આવશે અને આપણી સંસ્કૃતિનો પરિચય મેળવશે. અમે ખરેખર નસિબદાર છીએ કે ભગવાને આવા વિશાળ કામનો અમને હિસ્સો બનાવ્યા.”

વિવેકાનંદજીને તરત જ સમજાય ગયુ કે એક સમાન કામ અને એક સમાન વેતન હોવા છતા વિચારસરણી જ આનંદ કે દુ:ખ આપે છે. આપણા આનંદ કે દુ:ખ માટે આપણું કામ જવાબદાર હોય એના કરતા આપણો એ કામ પ્રત્યેનો દ્રષ્ટીકોણ વધુ જવાબદાર હોય છે.

મિત્રો, કોઇપણ કામ હોય પછી એ ભણવાનું હોય , નોકરીનું હોય કે ધંધાનું હોય આ ત્રીજા પ્રકારના લોકો જેવી વિચારસરણી હશે તો કામ કરવાની મજા આવશે…

લેખક : અજ્ઞાત
સ્ત્રોત : મેસેજ

Comments
Loading...